રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 29 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી આજે વિજય દશમીના દિવસે સાંજે સાત વાગ્યે રેસકોર્ષ મેદાન ખાતે રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે જુદા-જુદા ત્રણ પૂતળાનું નિર્માણ યુપીનાં ખાસ કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાથે જ શસ્ત્ર પૂજનની પરંપરા પણ જાળવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે VHP નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ અને મેવાણી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી જીતવી હોય તો નામ પાછળ ઇન્દ્રનીલ ખાન અને જીજ્ઞેશ ખાન બનવું પડશે..
દશેરાનાં પવિત્ર દિવસે આસુરી શક્તિનાં વિનાશ માટે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ માટે રાક્ષસનું પૂતળું બનાવવા ઉત્તરપ્રદેશના 25 જેટલા કારીગરો રાજકોટ આવતા હોય છે. જેની અઠવાડિયાની મહેનતના અંતે એક મોટું 54 ફૂટનું અને 45-45 ફૂટના બે નાનાં મળી કુલ ત્રણ પૂતળાં તૈયાર કરવામાં આવે છે જેનું રેસકોર્ષ મેદાન ખાતે દહન કરવામાં આવ્યું હતું.